યુક્રેન યુધ્ધ પછી વિશ્વમાં ક્રુડ ઓઇલના ભાવની અસર તળે ભારતમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતા જાય છે. 137 દિવસ પછી ભારતમાં 22 માર્ચના રોજ ફયૂઅલમાં વધારો થવાની શરુઆત થઇ જે દિન પ્રતિદિન વધીને પ્રતિ લિટર ભાવ 105 રુપિયા અને કેટલાક સ્થળોએ 120 સુધી પહોંચ્યો છે. 17 દિવસમાં 14 વાર ભાવમાં ફેરફાર કરીને રોજ 60 થી 80 પૈસા વધારવામાં આવ્યા છે.
રોજના ભાવ વધારોનો મોટો બોજ ગ્રાહકોના બજેટ પર થવાથી ફયૂઅલની માંગ ઘટી છે. એપ્રિલ મહિનાના 15 દિવસ પસાર થયા છે ત્યારે પેટ્રોલની માંગમાં 10 ટકા જેટલો ઘટાડો થયો છે. જયારે ડિઝલની માંગમાં 15.6 ટકાનો ઘટાડો થયો છે. 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં રાધણ ગેસની માંગમાં 1.7 ટકા જેટલો નજીવો ઘટાડો થયો છે. 22 માર્ચ અગાઉ ભારતમાં અંદાજે 4 મહિના સુધી ફયૂઅલના ભાવ સ્થિર રહયા હતા. ભાવોની આ સ્થિરતાને ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉતરાખંડ સહિતના પાંચ રાજયોની ચુંટણીઓ સાથે જોડવામાં આવતી હતી.
24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે ઘર્ષણ થતા તેની અસરથી ક્રુડના ભાવમાં અચાનક જ વધારો થયો હતો. 70 થી 80 ડોલર પ્રતિ બેરલ ભાવ વધીને એક સમયે 139 ડોલરને પાર કરી ગયો હતો. હાલમાં 105 ડોલર ચાલી રહયો છે.ભારતમાં યુક્રેન યુધ્ધના એક મહિના પછી પેટ્રોલ, ડિઝલના ભાવ વધવાની શરુઆત થતા તેની અસર હેઠળ જીવન જરુરીયાતની ચીજ વસ્તુઓ પણ મોંઘી થઇ રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગ ખાસ કરીને સ્થિર અને મર્યાદિત આવક ધરાવતા લાખો લોકોની મુશ્કેલી વધી છે.