ઓખા-બેટ દ્વારકામાં સઢવાળી હોડીઓની સ્‍પર્ધા યોજાઇ : ૬૬ સ્‍પર્ધકો જોડાયા

ઓખા,તા. ૧૫: ગુજરાત સરકારશ્રીનાં કમિશ્નરશ્રી, યુવક, સેવા અને સાંસ્‍ક્રુતિક પ્રવૃતિ ગાંધીનગર દ્વારા વિધવિધ સાહસીક પ્રવૃતિઓને પ્રોત્‍સાહન આપવામાં આવે છે જે અનુસાર સાગર ખેડુ સમાજનાં સાહસીકોને પ્રોત્‍સાહન આપવા માટે સમુદ્ર સાહસીક પ્રવૃતિ અંતર્ગત ૪૧ મી મહાજન સ્‍મારક સમુદ્ર હોડી સ્‍પર્ધાનુંᅠ તા.૧૪-૦૪-ર૦રર ના સવારે છ થી બપોરે ૪ કલાક સુધી આયોજન ઓખાની દામજી જેટીથી કરવામાં આવેલ. કોઈપણ યંત્ર વિનાની બાવીસ હોડીઓના ૬૬ᅠ સ્‍પર્ધકો વચ્‍ચે ૪૦ કિમીની સ્‍પર્ધા યોજાઈ હતી.ઓખાની દામજી ઝેટીથી બેટ દ્વારકા ફરતે ૪૦ કિલોમીટર વિસ્‍તારમાં આ માચ્‍છીમારોને પ્રોત્‍સાહિત કરવા ૪૧મી મહાજન સ્‍મારક સ્‍પર્ધા જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી દેવભુમિ દ્વારકા દ્વારા આયોજન કરાઈ હતી. આ સ્‍પર્ધામાં કોઈપણ જાતના યંત્રો વગરની રર હોડીમાં ૬૬ સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. છેવાડાના વિસ્‍તાર એવા ઓખા અને બેટ દ્વારકામાં માચ્‍છીમારી સમાજને પ્રોત્‍સાહન માટે યોજાયેલ સ્‍પર્ધામાં સ્‍થાનીય યુવા માછીમારોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.ᅠ
પ્રથમ ત્રણ વિજેતાઓને પુરસ્‍કૃત કરાયા
આ સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાન પર અલસંજરી બોટના ટંડેલ ગોલુ આમદ બંદરી, બીજા સ્‍થાને હુસેની જીગર બોટના ટંડેલ સલીમ હસન થેમ તથા ત્રીજા નંબરે દરીયાદોલત બોટના ટંડેલ અયુબ અભુ બંદરી તથા તેની ટીમે મેદાન મારતા વિજેતા બન્‍યા હતા. પ્રથમ ત્રણ ક્રમાંકે આવનારા વિજેતાઓનું આયોજકો તથા અગ્રણીઓ હસ્‍તે સન્‍માન કરાયું હતું તેમજ પ્રથમ વિજેતાને રૂા. ૫૦,૦૦૦, બીજા નંબર ના વિજેતા ને રૂા.૪૦,૦૦૦ તથા તૃતિય વિજેતાને રૂા.૩૫,૦૦૦ રોકડનું ઈનામ સરકાર તેમજ અગ્રણીઓના સૌજન્‍યથી આપવામાં આવ્‍યું હતું.
હાલના ફાસ્‍ટ યુગમાં દરેક જગ્‍યાએ યંત્રો સંચાલીત હોડીઓ આવી ગઈ હોવાથી શઢવાળી હોડીઓએ જબરું આકર્ષણ જગાવ્‍યું હતું.