ઉત્તરપ્રદેશના અમેઠીના ગૌરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નમાંથી પરત ફરી રહેલા જાનૈયાઓથી ભરેલી સ્પીડમાં જઇ રહેલી બોલેરો સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે જયારે ચાર લોકો ઘાયલ થયા છે. હાલમાં ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ, રવિવારે મધરાત બાદ લગભગ ૧૨.૧૫ વાગ્યે જાનમાંથી પરત ફરી રહેલી બોલેરો ગંભીર રોડ અકસ્માતનો શિકાર બની હતી. રાયબરેલી જિલ્લાના નસીરાબાદ વિસ્તારમાં શોભાયાત્રામાંથી પરત ફરી રહેલી બોલેરોમાં કેટલાંક બાળકો પણ સવાર હતા. બોલેરો હજુ તો ગૌરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબુગંજ જ પહોંચી હતી ત્યારે સામેથી આવતી ટ્રક ધડાકાભેર અથડાઈ હતી.
હાઇસ્પીડ બોલેરો અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરો ફંગોળાઇ ગઇ. બે વાહનોની ટક્કરનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો પણ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે, ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ બોલેરોમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા અને તાત્કાલિક પોલીસને અકસ્માતની જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.