ઉનાળાની સિઝન દરમિયાન લીંબુના ભાવ ઓલટાઇમ હાઇ રહયા છે ત્યારે લોકો પોતાની ક્રીએટિવિટી દર્શાવીને વિરોધ કરી રહયા છે. કોઇ શેર શાયરીઓ લખે છે તો કોઇ લીંબુ આપીને મોબાઇલ ખરીદવાનો મજાકિયો વીડિયો વાયરલ કરે છે.
ગુજરાતના રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક એવો રિયલ કિસ્સો ધ્યાનમાં આવ્યો છે જેમાં એક લગ્નમાં મહેમાન દુલ્હાને લીંબુની ગિફટ આપી હતી. વાયરલ તસ્વીરમાં લોકો વરરાજાને લીંબુનું પેકેટ દેખાડીને તસ્વીર પડાવી રહયા છે.
આ અંગે લીંબુ ભેટમાં આપનારા એક મહેમાનનું કહેવું હતું કે ઉનાળાની સિઝનમાં લીબુની ખૂબ જરુર પડે છે. આથી લીંબુ ગિફટમાં આપવાનું પસંદ કર્યુ છે. લીંબુના ભાવમાં છેલ્લા એક મહિનાથી ઉછાળો જોવા મળે છે. સરેરાશ વજન ધરાવતું એક લીંબુ 10 થી 12 રુપિયામાં એક વેચાય છે.
100 ગ્રામ લીંબુમાં માંડ 3 નંગ 30 થી 35 રુપિયામાં છુટક ભાવે વેચાય છે. જથ્થાબંધ ભાવ 200 થી 250 રુપિયે કિલો પહોંચી ગયો છે. લીંબુના ઉત્પાદનમાં ઘટાડો અને માંગ જોતા આવનારા સમયમાં ભાવ ઘટાડો થાય તેવી શકયતા ઓછી છે.