જાણવા મળ્યા મુજબ મહેન્દ્રનગરમાં રહેતો મિતેશ ભરતભાઇ કરસનદાસ કુબાવત (ઉ.વ.૨૨) નામનો બાવાજી યુવાન સાંજે પાંચેક વાગ્યે ઘરેથી બાઇક લઇને નીકળ્યો ત્યારે તેના બાઇક સાથે બીજુ એક બાઇક અથડાવાયું હતું.
એ પછી ઝઘડો કરી ધોકા-પાઇપ-હોકી અને પાવડાના હાથાથી હુમલો કરવામાં આવતાં ગંભીર ઇજા પહોંચી હતી. મિતેશને મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
રાજકોટના અહેવાલ મુજબ મિતેશ ત્રણ બહેનનો એકનો એક મોટો ભાઇ હતો. તે ડ્રાઇવીંગ કામ કરતો હતો. તેના પિતા પણ છુટક ડ્રાઇવીંગ કરે છે. મોરબી તાલુકા પીએસઆઇ એલ. એન. વાઢીયા, મહેન્દ્રસિંહ ઝાલા, વિજયભાઇ આરિહ સહિતની ટીમે રાજકોટ પહોંચી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા તજવીજ કરી હતી.
મોરબીના અહેવાલ મુજબ હત્યાનો ભોગ બનનાર મિતેશને મહેન્દ્રનગરની જ એક યુવતિ સાથે પ્રેમ હતો. ગઇકાલે તેના બાઇક સાથે યુવતિના જ સગાએ બાઇક અથડાવી ઝઘડો કર્યો હતો અને બાદમાં હુમલો કરાયો હતો. જે જીવલેણ નીવડયો હતો.
પોસ્ટ મોર્ટમ બાદ પોલીસ હત્યાનો ગુનો દાખલ કરશે. આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. એકના એક આધારસ્તંભ સમા દિકરાની હત્યાથી કુબાવત પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.