અત્યાર સુધી ડ્રોનનો ઉપયોગ ફોટોગ્રાફી માટે થતો આવ્યો છે. પરંતુ આકાશમા ફરતુ ટચૂકડુ ડ્રોન કેટલુ કામનું છે તે કચ્છ જિલ્લામાં પહેલીવાર જોવા મળ્યુ. કચ્છના ટપાલ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરવામા આવ્યો. પહેલીવાર ટપાલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ડ્રોનનો ઉપયોગ કરાયો છે. ડ્રોનથી ટપાલ સેવા કરવાનુ કામ દેશમાં પહેલીવાર કચ્છમાં થયુ છે.
કચ્છ જિલ્લામાં ટપાલ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. જેમાં ભુજ તાલુકાના હબાયથી ભચાઉના નેર ગામની પસંદગી કરવામાં આવી હતી. ગઈકાલે પહેલીવાર ટ્રાયલ કરવામાં આવ્યુ હતુ, જે સફળ રહ્યુ હતુ. સવારે 9.11 કલાકે પાર્સલ ડ્રોન દ્વારા હબાયથી રવાના કરાયુ હતુ, જે 9.36 કલાકે નેર પહોંચ્યુ હુતં. આમ, 2 કિલોનું પાર્સલ ફક્ત 25 મિનિટમાં 47 કિલોમીટર દૂર પહોંચ્યું હતું. લગભગ 47 કિલોમીટરનું અંતર કાપવામાં જ્યા કલાકો લાગી જાય છે, ત્યાં માત્ર 25 મિનિટમાં પાર્સલ પહોંચી ગયુ હતું. ડ્રોન પાર્સલ સાથે સફળતાપૂર્વક લેન્ડ થયુ હતું.
આ પરીક્ષણમાં દિલ્હીની 4 સભ્યોની ટીમ પણ હાજર રહી હતી. આ ટ્રાયલ બેઝની ચકાસણી બાદ સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી કે, ડ્રોનના ટપાલસેવા ચાલુ કરવામાં આવશે, જેથી ટપાલ સેવા ઝડપી બને. આ માટે અગાઉ પોસ્ટ વિભાગ દ્વારા સરવે કરવામા આવ્યો હતો.