રેલવે પેસેન્જર આવક વધીને રૂ. 147.57 કરોડ અને માલ પરિવહનની આવક છેલ્લા નવ મહિનામાં રૂ. 15007 કરોડ સુધી પહોંચી
રાજકોટ :રેલવેતંત્રને કોરોનાની ત્રીજી લહેરની આર્થિક રીતે કળ વળી હોય તેમ ગત વર્ષની તુલનામાં છેલ્લા નવ મહિનામાં પેસેન્જર રેવન્યુમાં પાંચ ગણો વધારો થયો છે. જયારે ગુડ્ઝ ટ્રાફિકમાં પણ 12 ટકા જેવો વધારો થતા રેલવેની સ્થિતિ મજબુત બની રહી છે. આંકડાઓની વાત કરીએ તો રેલવે પેસેન્જર આવક વધીને રૂ. 147.57 કરોડ અને માલ પરિવહનની આવક છેલ્લા નવ મહિનામાં રૂ. 15007 કરોડ સુધી પહોંચી જતા રેલવે તંત્રને મોટી રાહત થઈ છે.જાણવા મળતી વિગત મુજબ રાજકોટથી કોરોનાનો પહેલો કેસ રાજયમાં જોવા મળ્યો હતો ત્યાર બાદ કોરોનાનું સંક્રમણ સતત વધતુ રહયુ છે. દેશભરમાં કોરોનાની ચિંતાજનક લહેર ઉભી ઉભી થતા સમગ્ર દેશમાં રેલવે મંત્રાલયે તમામ પેસેન્જર ટ્રેન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. લાંબો સમય સુધી ટ્રેનો બંધ રહી હતી. બીજી લહેરનાં 2021નાં વર્ષમાં ખુબ જોખમી સ્થિતિ જોવા મળી હતી. એપ્રિલ – મે 2021 નાં સમયગાળામાં કોરોનાએ હાહાકાર મચાવતા ટ્રેન વ્યવહાર થંભી ગયો હતા. અને માત્ર ઈમરજન્સી ઓકિસજન એકસપ્રેસ અને માલપરિવહન જ થતુ હતુ. આમ કોરોના જયારે પીક પર હતો ત્યારે રેલવેને મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો હતો.
જો કે રેલવે તંત્રએ ખોટને સરભર કરવા માલ પરિવહન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. અને માત્ર રાજકોટ રેલવે ડિવિઝનમાં એપ્રિલ 2020થી જાન્યુ. 2021 સુધીનાં નવ મહિનાનાં સમયગાળા દરમિયાન ટ્રેનો બંધ હોવાથી રૂ. 22.54 કરોડની પેસેન્જર રેવન્યુ થઈ હતી જયારે વર્ષ 2022માં તબકકાવાર ટ્રેનો શરૂ થયા બાદ પેસેન્જર ટ્રાફિક વધતા એપ્રિલ 2021 થી જાન્યુઆરી 2022 દરમિયાન આવક વધીને રૂ. 147.57 કરોડની થઈ હતી. જે ગત વર્ષની તુલનાએ 555 ટકાનો વધારો દર્શાવે છે.
બીજીતરફ ગુડ્ઝ ટ્રાફિકમાં એપ્રિલ 2020થી જાન્યુ. 2021 દરમિયાન રૂ. 1347.22 કરોડની આવક થઈ હતી. જયારે એપ્રિલ 2021થી જાન્યુ. 2022 સુધીનાં સમયગાળામાં રૂ. 15007 કરોડની આવક થતા કુલ 12 ટકાનો વધારો થયો હતો. હાલમાં સૌરાષ્ટ્રમાંથી પેટ્રોલિયમ પદાર્થ, સોલ્ટ, કોલસો, ફર્ટિલાઈઝર્સ, સિમેન્ટ સહિતનાં પદાર્થો દેશના અન્ય રાજયોમાં મોટા પ્રમાણમાં મોકલવામાં આવી રહ્યા છે. અને આવનારા દિવસોમા રેલવેની આવકમાં મોટો વધારો થવાની પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી.