કર્ફ્યુ બાદ શ્રીલંકામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રવિવારે, દેશમાં ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સેવા બંધ થઈ ગયા. ઈન્ટરનેટ મોનિટરિંગ ઓર્ગેનાઈઝેશન NetBlocksએ આ જાણકારી આપી છેરાજધાની કોલંબોમાં કર્ફ્યુ લાગુ થતાં જ રસ્તાઓ ખાલી થઈ ગયા છે, તમામ દુકાનો બંધ છે. આર્મી અને પોલીસના જવાનો દરેક ખૂણે ચોકી કરી રહ્યા છે, જેથી વાતાવરણ બગડે નહીં..આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની મદદ માટે ભારત આગળ આવ્યું છે. ભારતે ઈંધણ સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની મદદ માટે એક ઓઈલ ટેન્કર મોકલ્યું હતું, જે શનિવારે શ્રીલંકા પહોંચ્યું હતું. આનાથી ઇંધણની કટોકટી સામે ઝઝૂમી રહેલા લોકોને રાહત મળવાની આશા છે.શ્રીલંકામાં ઇમરજન્સી લાદી દેવામાં આવી છે. આ અંગે દેશના પૂર્વ મંત્રી ડો.હર્ષા ડીસિલ્વાએ કહ્યું કે જો ભારત મદદ ન મોકલતે તો અમે ખતમ થઈ ગયા હોત. તેમણે કહ્યું કે ગોટાબાયા સરકારે દેશને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નથી.આ સાથે જ ભારતે શ્રીલંકાને ચોખા મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીં 40 હજાર ટન ચોખાનું લોડિંગ શરૂ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે મોટા તહેવાર પહેલા ચોખાનો માલ શ્રીલંકા પહોંચશે. ભારત 2022માં શ્રીલંકાને ઓછામાં ઓછા 300,000 ટન ચોખા મોકલશે. આનાથી શ્રીલંકામાં પુરવઠો વધશે, જે દેશમાં કિંમતો નીચે લાવી શકે છે.શ્રીલંકામાં ગહન આર્થિક સમસ્યાઓ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે શુક્રવારે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દેશની સુરક્ષા અને આવશ્યક સેવાઓના પુરવઠાની જાળવણી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પછી દેશભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. શનિવારે રાજધાની કોલંબોમાં સેનાની તૈનાતી વચ્ચે દુકાનો ખોલવામાં આવી હતી, જેથી લોકો જરૂરી વસ્તુઓ ખરીદી શકે.ઇમરજન્સીની ઘોષણા પછી, સેના શંકાસ્પદ લોકોની કોઈ કેસ નોંધ્યા વિના ધરપકડ કરી શકે છે અને તેમને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખી શકે છે. રાજપક્ષેની સરકારને ટેકો આપતા 11 પક્ષોએ કેબિનેટના વિસર્જન અને વચગાળાની સરકારની રચનાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે તાજેતરની કેબિનેટ વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવામાં નિષ્ફળ સાબિત થઈ છે.