૪ દિ'થી ગૂમ કોઠારીયાના વિરેન્‍દ્રસિંહ જાડેજાની લાશ આજીડેમમાંથી મળી

ઘરના લોકોએ દારૂ છોડવાનું કહેતાં પગલુ ભર્યાનું ખુલ્‍યું: પરિવારમાં શોક
રાજકોટ તા. ૧૨: કોઠારીયાની તિરૂપતી સોસાયટીમાં રહેતાં વિરેન્‍દ્રસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.૪૨) ૯/૪ના રોજ ઘરેથી નીકળ્‍યા બાદ ગૂમ હોઇ ગત સાંજે તેમની લાશ કિશાન ગોૈશાળાવાળા રોડ પર આજીડેમ અંદરથી ફુલાઇ ગયેલી હાલતમાં મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.
મજૂરો નજીકમાં કામ કરતાં હોઇ તેણે એક લાશ તરતી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. મૃતદેહ બહાર કાઢવામાં આવતાં ૧૦૮ના દિવ્‍યાબેન બારડે પોલીસને જાણ કરતાં આજીડેમના પીએસઆઇ જી. એન. વાઘેલા અને એએસઆઇ વી. બી. સુખાનંદીએ પહોંચી કાર્યવાહી કરી હતી.
તપાસ શરૂ થતાં આ લાશ ૯મીથી ગૂમ તિરૂપતી સોસાયટીના વિરેન્‍દ્રસિંહ જાડેજાની હોવાનું ખુલતાં તેમના સ્‍વજનોને બોલાવાયા હતાં. હાથમાં વી. ડી. ત્રોફાવેલુ હોઇ તેના આધારે લાશની ઓળખ થઇ હતી. મૃત્‍યુ પામનાર રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ દારૂ પીવાનું છોડી દેવા બાબતે ઘરના લોકો સમજાવતાં હોઇ તે કારણે માઠુ લાગતાં ડેમમાં પડતું મુક્‍યાની શક્‍યતા છે.