વિશ્વની સૌથી મોટી વિક્રમી ૩૧૧ લિટર જેટલો ૩૨ વર્ષ જૂનો મેકલન સ્કોચ ભરેલી સ્કોચ વ્હિસ્કીની બોટલ જે સામાન્ય માનવીના કદ કરતાં પણ મોટી છે એની લિલામી થઈ રહી છે. આવતા મહિને એડિનબર્ગ સ્થિત લિયોન એન્ડ ટર્નબુલ ખાતે વેચાણ માટે જનારી ૪૪૪ સ્ટાન્ડર્ડ કદની બોટલના સમકક્ષ પીણું ધરાવતી ઇન્ટ્રીપીડની બોટલ ૧૫ લાખ પાઉન્ડ (લગભગ ૧૪.૫૧ કરોડ રૂપિયા)માં વેચાઈને અત્યાર સુધીની સૌથી મોંઘા ભાવે વેચાયેલી વ્હિસ્કીમાં સ્થાન પામે એવી આશા છે.
ઇન્ટ્રીપીડની લિલામીની કાર્યવાહી હાથ ધરનારા લિયોન એન્ડ ટર્નબુલના કોલિન ફ્રેઝરે જણાવ્યું હતું કે આ લિલામીમાં લોકો વૈશ્વિક સ્તરે રસ લેશે એની મને ખાતરી છે. ઊંચી બોલી લગાવનારા બિડર્સ સ્કોચ વ્હિસ્કીની ખરીદીનો એક હિસ્સો બનશે તથા વિશ્વની શ્રેષ્ઠ ડિસ્ટિલરીમાં સ્થાન પામતા ૩૨ વર્ષ જૂના સિંગલ માલ્ટ સ્કોચના મેકલનના માલિક બનશે.
ગયા વર્ષે બોટલમાં વ્હિસ્કી ભરવામાં આવ્યો ત્યારે જ ઇન્ટ્રીપીડની બોટલને ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. લિલામીકર્તાઓએ જણાવ્યા અનુસાર ૧૩ લાખ પાઉન્ડ (લગભગ ૧૨.૪૮ કરોડ રૂપિયા)થી વધુ જે પણ રકમ મળશે એની ૨૫ ટકા રકમ મેરી ક્યુરી ચેરિટીને દાન આપવામાં આવશે.