વલસાડમાં મેઘ તાંડવ ! : ગઈકાલે મોડીરાત્રે પડેલ ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્‍તારોની વીજળી ગુલ થઈ

શહેરમાં પ્રથમ વરસાદે જ વિજ કંપનીઓનાં કર્મચારીઓને દોડતા કરી દીધા : મેઘરાજાએ એન્‍ટ્રી લેતા જ ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને હાલાકીવલસાડ શહેર સહિત જિલ્‍લાનાં અનેક પંથકોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્‍ટ્રી લીધી છે. પરંતુ પ્રથમ વરસાદ આવતાની સાથે જ નગરપાલીકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલખુલી છે. ઠેર-ઠેર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. જ્‍યારે વરસાદ આવતા જ મોડીરાત્રે અનેક વિસ્‍તારોની વિજળી ગુલ થઈ ગઈ હતી. જ્‍યારે ખેડુતોનો કેરીનો પાક જમીન દોસ્‍ત થઈ ગયો હતો. જેને લઈ ખેડુતોની હાલત કફોડી બની છે.જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારે જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, તો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. 
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લામાં વહેલી સવારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડેલા પહેલા વરસાદે નુકસાની સર્જી છે. વરસાદને લઈ રસ્તાઓ પાણી-પાણી થઈ જ ગયા, પરંતુ અનેક વિસ્તારોમા પાણી ભરાવાની સ્થિતિ થઈ હતી. તો અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. જોકે, વરસાદના આગમનથી લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. પ્રથમ વરસાદ બાદ શહેરના બંને અંડર પાસમાં પાણી ભરાયા છે. છીપવાડ અંડર પાસ અને મોગરવાડી અંડર પાસમાં પાણી ભરાતા સવારે નોકરીએ જવા નીકળેલા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો