સલાયાનું નવુ નકોર વહાણ દરિયામાં ભસ્‍મીભુતઃ ૨૦ ખલાસીઓનો બચાવ થતા રાહત

સલાયા ગામે રહેતા સલીમભાઈ ઈસ્‍માઇલ ભાયાની માલિકીનું અને તાજેતરમાં જ નવું નકોર બનાવીને દરિયામાં મુકવામાં આવેલું ૧૨૦૦ ટનની કેપેસિટી ધરાવતું બી.ડી.આઈ. ૧૪૯૬ રજીસ્‍ટ્રેશન નંબર ધરાવતું ‘‘અલ ખજર'' વહાણ ગત તારીખ છઠ્ઠી મે ના રોજ સલાયાથી દુબઈ ગયું હતું. સલાયાથી માલસામાન ભર્યા વગર નીકળેલું આ વહાણ ગત તારીખ ૩૧ મેના રોજ દુબઈથી જનરલ કાર્ગો સપ્‍લાય સાથે યમન જવા માટે નીકળ્‍યું હતું. આ વહાણ યમન પહોંચે તે પહેલા શનિવારે રાત્રીના આશરે દોઢેક વાગ્‍યે ઓમાન નજીક મસ્‍કત પોર્ટથી ઘોડે આગળ કોઈ કારણોસર આગમાં લપેટાઈ ગયું હતું. વહાણમાં આગ લાગતાં આ વહાણમાં સવાર ખલાસીઓ તેમની સાથે જઈ રહેલા અન્‍ય એક ‘‘મહેબુબ મોયુદ્દીન''નામના વહાણ મારફતે સલામત રોતે નીકળી જવામાં સફળ થયા હતા. આ તમામ ખલાસીઓને આ બોટ મારફતે મસ્‍કત લઈ જવા માટે રવાના કરવામાં આવ્‍યા હતા.