જુનાગઢમાં ધો.૧૦-૧ર બોર્ડની પરીક્ષાની ડુપ્‍લીકેટ રીસીપ્‍ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયુદોલતપરાનો જીજ્ઞેશ પરમાર અને રાજકોટનો રાજુ વ્‍યાસના કાંડનો પર્દાદાશઃ સ્‍થળ પરથી ત્રણ વિદ્યાર્થીઓની અસલ રીસીપ્‍ટ, લેપટોપ સહીત રૂા. ર૮,૦પ૦નો મુદામાલ કબ્‍જેઃ રાજકોટનાં વિદ્યાર્થી સહીત ત્રણ શખ્‍સો સામે પોલીસ કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨: સોમવારથી શરૂ થયેલી ધો.૧૦ અને ૧રની પરીક્ષાની ડુપ્‍લીકેટ રીસીપ્‍ટ બનાવવાનું કૌભાંડ જુનાગઢના દોલતપરામાંથી પોલીસે પકડી પાડતા હલચલ મચી ગઇ છે.
પોલીસે ત્રણ શખ્‍સો સામે કાર્યવાહી કરી સ્‍થળ પરથી ત્રણ વિદ્યાર્થીઓની અસલ રીસીપ્‍ટ તેમજ લેપટોપ સહીત કુલ રૂ. રપ,૦૮૦નો મુદામાલ કબ્‍જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢના દોલતપરામાં આવેલ નેમીનાથનગર બેમાં રહેતો રાજુ વ્‍યાસ ધો.૧૦ અને ૧રની ચાલી રહેલી બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓની ડુપ્‍લીકેટ રીસીપ્‍ટ બનાવતા હોવાની બાતમી જુનાગઢ એ ડીવીઝન પોલીસ મથકના એમ.ડી. માડમ, આર.એમ.સોલંકી, દિનેશ રામ, સંજય માલમ અને દેવેન્‍દ્ર બકોશાને મળી હતી.
આ બાતમીના આધારે ડીઆજી મનીન્‍દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવી તેજા વાસમ શેટ્ટીની સુચનાથી ડીવાયએસપી શ્રી ડામોરના માર્ગદર્શનમાં એ ડીવીઝનના પીઆ એમ.એમ.વાઢેર પીએસઆઇ એ. કે. પરમાર, એ. બી. દત્તા સહિતના સ્‍ટાફે મોડી રાત્રે દોલતપરાનો જીજ્ઞેશ પરમારના મકાન પર દરોડો પાડયો હતો.
આ કાર્યવાહીમાં સ્‍થળ પરથી રીસીસ્‍ટ બનાવવાના માટે ઉપયોગમાં લીધેલ રૂા. રપ હજારની કિંમતનું લેપટોપ, મોબાઇલ ફોન, ચાર્જર તેમજ ત્રણ વિદ્યાર્થીઓની અસલ તેમજ ઝેરોક્ષ રીસીપ્‍ટો સહિત નવી કુલ રૂા. ર૮૦પ૦ ની કિંમતનો મુદામાલ મળી આવતા પોલીસે કબ્‍જે કર્યો હતો.
પોલીસ તપાસમાં રેઇડ વખતે રાજકોટનો ડોડીયા ચિરાગ જેન્‍તી નામનાં વિદ્યાર્થીની અસલ રીસીપ્‍ટરમાં અન્‍ય વ્‍યકિતનાં ફોટાવાળી રીસીપ્‍ટ બનાવવામાં આવતી હોવાનું ખુલ્‍યું હતું.